આવ્યો રે મેઘો આવ્યો ગુજરાતમાં 50 તાલુકામાં થયો વરસાદ આગામી 3 દિવસમાં આ વિસ્તારોમાં થશે મેઘમહેર - khabarilallive
     

આવ્યો રે મેઘો આવ્યો ગુજરાતમાં 50 તાલુકામાં થયો વરસાદ આગામી 3 દિવસમાં આ વિસ્તારોમાં થશે મેઘમહેર

ગુજરાતમાં હવે ચોમાસું જામવાનું શરૃ થઇ ગયું છે. દિવસ દરમિયાન રાજ્યના ૫૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં ૨૮ તાલુકા એવા છે જ્યાં બે ઈંચથી વધુ મેઘમહેર થઇ છે.

જુનાગઢના માણાવદરમાં ચાર કલાકમાં ચાર ઈંચ સહિત કુલ સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યના 178 તાલુકામાં મેઘમહેર થઇ છે. રાજ્યમાં અત્યારસુધી 4 ઈંચ સાથે મોસમનો સરેરાશ 11 ટકા વરસાદ નોંધાયો છે.

આજે જુનાગઢના માણાવદરમાં સવારે 8 થી 10 માં 1 જ્યારે સવારે 10 થી 12 માં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય તાપીના ડોલવણમાં ૩.૮૫, મહીસાગરના વિરપુરમાં 3 નવસારીના ખેરગામમાં 3 જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય નવસારીના વાંસદા તેમજ જુનાગઢમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં 3 ઈંચથી વધુ મેઘમહેર થઇ હતી.

સુરતના પલસાણામાં શનિવાર સવાર સુધીમાં જ 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દરમિયાન આણંદના જિલ્લામાં નોંધાયેલા અતિભારે વરસાદથી બોરસદ તાલુકાના કેટલાક ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ દ્વારા પૂરની સ્થિતિમાં ફસાયેલા ગામના 380 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું કે, ‘બોરસદ તાલુકાના બે ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ બંને ગામમાંથી 380 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. પરંતુ હજુ 140 લોકો ઘરે પરત ફર્યા નથી. ‘ એનડીઆરએફ દ્વારા સિસ્વા ગામમાં ભારે વરસાદથી કોઇ મૃતદેહ તણાઇને આવ્યા છે કે કેમ તેનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં ભારે વરસાદની આગાહી છે તેમાં સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *