રોદ્ર સ્વરૂપ ધારણ કરશે મેઘરાજા ગુજરાત ઉપર રહેશે આટલા દિવસ ભારે વહીવટી તંત્ર એલર્ટ ઉપર - khabarilallive    

રોદ્ર સ્વરૂપ ધારણ કરશે મેઘરાજા ગુજરાત ઉપર રહેશે આટલા દિવસ ભારે વહીવટી તંત્ર એલર્ટ ઉપર

ગુજરાતમાં આ વખતે ચોમાસું ખેડૂતો માટે સોળ આની રહ્યું છે. ઘીમી ઘારે આવતો વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં આવેલા પાકને જીવતદાન આપી રહ્યો છે. પણ હવે હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદ રહેશે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગાહી મુજબ 17 અને 18 તારીખના રોજ ઉપરોક્ત જગ્યાએ  મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. 19 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે.

રાજ્યનાં જળાશયોમાં હાલમાં ૭૪.૬ર ટકા પાણીનો જથ્થો છે. રાજ્ય પરથી ખેતી અને પીવાના પાણીની ઘાત ટળી છે. અત્યાર સુધી ‌સિઝનનો ૮પ.પ૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધીનો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧ર.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો.

અત્યાર સુધી રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૩૭, દક્ષિણ ગુજરાતમાં ૯પ, સૌરાષ્ટ્રમાં ૭૮, ઉત્તર ગુજરાતમાં ૭૬ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યનાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ ભરાયેલાં ૭૦ જળાશય હાલ હાઈ એલર્ટ પર છે. જ્યારે ૯૦ ટકા સુધી ભરાયેલાં ૧૪ જળાશય એલર્ટ પર છે. ૮૦ ટકા સુધી ભરાયેલાં ૧પ જળાશયને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે ૧૦૭ જળાશયોમાં ૭૦ ટકા જેટલું પાણી છે.

શ્રાવણ માસનાં સરવણાંના બદલે ગઈ કાલથી અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 5 દિવસ મેઘો મન મૂકીને વરસશે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં સાત-સાત ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા રાજ્યના અનેક િજલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

બે વર્ષ બાદ સાતમ-આઠમના મેળામાં વરસાદી વિઘ્ન નહીં આવે તેવા સંકેત.
આવતી કાલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જોકે ૧૭ ઓગસ્ટ બાદ વરસાદ છૂટોછવાયો પડી શકે છે, જેથી બે વર્ષ બાદ સાતમ-આઠમના મેળામાં વરસાદી વિઘ્ન નહીં આવે તેવા સંકેત છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં છેલ્લા ૧૮ કલાકમાં ર૦૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં પ.૭૬ ઇંચ વરસાદ નોંધાયો છે. હાલમાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ છે. સૌરાષ્ટ્રના દરિયામાં ૪૦થી પ૦ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. દ્વારકામાં દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગોમતીઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં ૧૦થી ૧પ ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૩પ.ર૯ મીટરે પહોંચી છે. મંગળવારે રાતના ૧૦ વાગ્યે ડેમના ર૩ દરવાજા ખોલીને ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે, જેને લઇ નર્મદા કિનારાનાં ગામને એલર્ટ કરાયાં છે. નર્મદા ડેમ મહત્તમ જળસપાટીથી માત્ર ત્રણ મીટર દૂર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *