અમદાવાદની આ મહિલાથી સાવધાન રેહજો કોઈની માતા તો કોઈની દીકરી બનીને 10 વાર જઈ આવી છે આ જગ્યાએ - khabarilallive    

અમદાવાદની આ મહિલાથી સાવધાન રેહજો કોઈની માતા તો કોઈની દીકરી બનીને 10 વાર જઈ આવી છે આ જગ્યાએ

લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના મસમોટા કાંડની તપાસ કરી રહેલી પોલીસને અમદાવાદની એક મહિલા પણ તેમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં રહેતી 54 વર્ષની આ મહિલા કોઈની માતા તો કોઈની પત્ની બનીને અત્યારસુધી કમસે કમ 10 વાર રીતે અમેરિકા જઈ આવી છે.

અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી આ મહિલાને એક ટ્રીપના અંદાજે પાંચ લાખ રુપિયા ચૂકવવામાં આવતા હોવાનું મનાઈ રહ્યું છે. વળી, આ મહિલા શહેરમાં જિમખાના ચલાવતા એક વગદાર શખસની ખાસ મિત્ર છે, અને મોટા માથાંના કહેવાતા લોકો સાથે તેના સીધા સંપર્ક છે. કદાચ આ જ કારણે પોલીસ તેને આજ સુધી હાથ પણ નથી લગાડી શકી.

અમારા સાથી અખબારે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, કઈ રીતે ગેરકાયદે રીતે અમેરિકા મોકલતા એજન્ટો નકલી ફેમિલી બનાવે છે, જેમાં સામેલ પુરુષ, મહિલા કે બાળકો એકબીજાને ઓળખતા સુદ્ધા નથી હોતા, અને તેમને એક જ પરિવારના સભ્યો બતાવીને અમેરિકા મોકલાતા હોય છે.

આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને ભરત ઉર્ફે બોબી પટેલ જેવા એજન્ટે આ મહિલાને અલગ અલગ પુરુષો તેમજ બાળકો સાથે કમસે કમ 10વાર અમેરિકા મોકલી છે. જે જિમખાના માલિકની આ મહિલા સારી મિત્ર છે, તે જિમખાનામાં એજન્ટ બોબી એટલે કે ભરત પટેલનો પણ ભાગ હોવાની ચર્ચા છે.

આ જ જિમખાના જુલાઈ 2021ના ગાળામાં ખાસ્સું ચર્ચામાં આવ્યું હતું. આ મહિલાએ 2001માં પહેલીવાર પાસપોર્ટ કઢાવ્યો હતો. 2018થી ફેબ્રુઆરી 2022ના ગાળામાં તેણે અમેરિકાની 10 ટ્રીપ મારી છે, જેમાં તે નકલી ફેમિલી બનાવી અનેક લોકોને અમેરિકા પહોંચાડી આવી છે, તેમ એક પોલીસ અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું.

પોલીસનું એવું પણ માનવું છે કે આ મહિલા 2018 પહેલા પણ અમેરિકા ગઈ હોઈ શકે છે, પરંતુ તેના પુરાવા હજુ સુધી હાથ નથી લાગ્યા.ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોને અમેરિકા મોકલનારો ભરત પટેલ મેક્સિકો તેમજ કેનેડા રુટ પર ઓપરેટ કરે છે.

તે પોતાના ક્લાયન્ટને પહેલા વાયા તુર્કી થઈને મેક્સિકો કે પછી કેનેડા પહોંચાડે છે, અને ત્યાંથી મોટાભાગે પગપાળા કે પછી બીજી કોઈ રીતે બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકામાં ઘૂસાડી દે છે.

જોકે, આ રીતે અમેરિકા જતાં લોકો પર જીવનું જોખમ પણ રહેલું હોય છે. ફેબ્રુઆરી 2022માં કેનેડાથી પગપાળા બોર્ડર ક્રોસ કરવામાં ડીંગુચાના ચાર સભ્યોનો પરિવાર કાતિલ ઠંડીમાં મોતને ભેટ્યો હતો, બીજા એક કિસ્સામાં કેનેડાથી બોટમાં બેસી અમેરિકામાં ઘૂસી ગયેલા છ પાટીદાર યુવકો ડૂબવાની તૈયારીમાં હતા ત્યારે જ અમેરિકાની પોલીસે તેમને બચાવી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *