સુરતનો ચોંકાવનારો કેસ પત્નીએ આ કારણ જણાવીને છૂટાછેડા માંગ્યા કોર્ટે ચોખી ના પાડી દીધી પતિને કહ્યો નિર્દોષ
ઘરેલું હિંસા અને છુટાછેડાની અરજીના એક કેસમાં પત્નીએ જુબાની દરમિયાન પોતાના લગ્નેત્તર સંબંધો હોવાનું સ્વીકારી લીધું હતું, પરંતુ પતિ છૂટાછેડા આપતો ન હોય અને ઉપરથી પત્નીએ પતિ ઉપરાંતના સાસરિયાઓ સામે દહેજનો કેસ પણ કર્યો હતો. કોર્ટ સમક્ષ તમામ પાસાં આવ્યાં બાદ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો.
18 વર્ષના લગ્નજીવનમાં તકરારો વચ્ચે બે સંતાનો.ઘોડદોડ રોડ રહેતી માધૂરી અને સંદીપ (નામ બદલ્યાં છે)ના લગ્ન 2004માં થયા હતા. આ દરમિયાન દંપતીને બે પુત્રો અવતર્યા હતા. જો કે, બંને વચ્ચે નાની-નાની તકરારો સતત રહેતી હતી. પતિને વર્ષ 2008માં ગંભીર બિમારી થતાં પત્ની તેની કોઇ કાળજી રાખતી ન હતી. ઉપરાંત સાસરાના અન્ય સભ્યો સાથે પણ પત્ની સતત ઝઘડો કરતી હતી.
સમાજની બેઠકમાં પણ બાહ્ય સંબંધો સ્વીકાર્યા
વર્ષ 2015માં પત્ની અન્ય પુરુષ સાથે સંબંધ રાખતી હોવાનું બહાર આવ્યું હતુ. ત્યારબાદ ઊલટું પત્નીએ સાસરી પક્ષ પર ત્રાસ ગુજારવાનું વધારી દીધું હતું. બાદમાં સમાજની મિટિંગ બોલાવી તો તેમાં પણ પત્નીએ બાહ્ય સંબંધ સ્વીકાર્યા હતા. પરંતુ પતિએ તેને છુટાછેડા આપવાથી ઇન્કાર કરી દીધો હતો. જેથી તેણીએ કેસ કરી દીધો હતો.
‘સાક્ષીઓની જુબાની એક બીજાનું સમર્થન કરતી નથી’.આ ચકચારી કેસમાં કોર્ટે પોતાના ચુકાદમાં નોંધ્યું હતું કે, ફરિયાદીએ એ વાત કબૂલ રાખી છે કે તેને છૂટાછેડા નહીં મળતા ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ફરિયાદીએ પોતાના લગ્નેત્તર સંબંધો પણ કબૂલી લીધા છે. સાક્ષીઓની જુબાની એકબીજાને સમર્થન કરતી નથી. આવા સંજોગોમાં આરોપીને કોઈપણ પ્રકારની સજા કરી શકાય નહીં.