વીજળીના કડાકા થી ગુંજી ઉઠ્યું આભ આ જિલ્લામાં વરસાદ મચાવશે તાંડવ હવામાન વિભાગે જાહેર કર્યા જિલ્લાના નામ
રાત્રિ દરમિયાન પાટણમાં વરસાદી માહોલ રહ્યો હતો. સિદ્ધપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અહીં પવન અને વીજળીના કડકા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે વીજળીના કડકાથી આભ ગુંજી ઉઠ્યું હતું. આવામાં આજે સવારે વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે.
આજે બુધવારે સવારે 10 વાગ્યા સુધીની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.આજે બુધવારે સવારે 10 વાગ્યા સુધીની આગાહીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59.33 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનનો અત્યાર સુધી સૌથી વધુ વરસાદ કચ્છમાં 76.45 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 74.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69.50 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ક્રમશ: પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.
પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીનો સિઝનનો 41.86 ટકા, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 38.78 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના ત્રણ જિલ્લામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો અત્યાર સુધીનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. તો ચાર જિલ્લામાં 76થી 100 ટકા પડ્યો છે. 10 જિલ્લામાં અત્યાર સુધીનો 51થી 75 ટકા સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 16 જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 26થી 50 ટકા સુધીનો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ વળી હતી. ત્યારે હવામાન વિભાગે આજે બુધવારના દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, કચ્છ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો હતો.
ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, મહેસાણા જિલ્લામાં નોંધાયો હતો. પાટણમાં પાંચ ઈંચ કરતા વધારે, સિદ્ધપુરમાં સાડા ચાર ઈંચ, કચ્છના અબડાસામાં સવા ચાર ઈંચ, મહેસાણાના જોટાણામાં સાડા ત્રણ ઈંચ, ખેરાલુમાં સવા ત્રણ ઈંચ, મહેસાણામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
જેમાં 20 તાલુકા એવા છે જેમાં 2 ઈંચથી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજ 31 જુલાઈ 2024, બુધવારના દિવસે ગુજરાતના 23 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.