રાજ્યોમાં મોટા ભાગના જળાશયો એલર્ટ પર આ જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર
ગુજરાતમાં ચોમાસું 2024 જામેલુ છે. રાજ્યમાં તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 7 તાલુકાઓ જ માત્ર એવા છે જ્યાં 50 મીમી થી ઓછો વરસાદ નોંધાયો છે. આ સિવાયના તમામ તાલુકાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. તો જોઈએ રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. અને જળાશયોની સ્થિતિ કેવી છે.
ગુજરાતમાં ચોમાસુ 2024 આજે સવાર 6 વાગ્યા સુધીમાં નો સરેરાશ કુલ 493.82 મીમી વરસાદ નોંધાયો. એટલે કે 55.93 ટકા વરસાદ પડી ચુક્યો છે. જો છેલ્લા 3 વર્ષના વરસાદના આંકડાની વાત કરીએ તો, 2021 માં ચોમાસાની સિઝનનો 827.27 મીમી કુલ 98.48 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2022 માં 1037.88 મીમી કુલ 122.09 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે 2023 માં 948.06 મીમી 108.16 ટકા સિઝનનો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ચોમાસુ 2024 ના તાલુકા પ્રમાણે વરસાદની વાત કરીએ તો, 51 થી 125 મીમી જ વરસાદ નોંધાયો હોય તેવા 7 તાલુકાઓ છે, જ્યારે 126 થી 250 મીમી વરસાદ નોંધાયો હોય તેવા 76 તાલુકા, 251-500 મીમી વરસાદ નોંધાયો હોય તેવા 91 તાલુકા, તો 501 થી 1000 મીમી વરસાદ નોંધાયો હોય તેવા 43 તાલુકાઓ છે, જ્યારે 1000 મીમી થી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 34 તાલુકાઓનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો, 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 110 તાલુકામાં 1 થી 50 મીમી, 05 તાલુકામાં 51 થી 100 મીમી, 01 તાલુકામાં 101 થી 150 મીમી વરસાદ જોવા મળ્યો છે.
રાજ્યમાં ડેમની સ્થિતિ કેવી? 52 જળાશયો હાઈએલર્ટ પર
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક અને હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 30 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 36 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 50.88 ટકા, કચ્છના 20 માં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17 માં 37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.