ગુજરાતના હવામાન ને લઈને નવા સમાચાર ૧૨ જુલાઈ સુધી ૯ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આટલા જિલ્લામાં યેલો એલર્ટ રહેશે યથાવત
ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસને (12 જુલાઈ સુધી) લઇને વરસાદની આગાહી કરી છે. આ સાથે જ સાત દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે, પરંતુ કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
આજે અને આવતીકાલે બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. ત્યારે મેઘરાજા ભગવાન જગન્નાથની રથયાત્રામાં જળાભિષેક કરે એવી સંભાવના રહેલી છે.
અમદાવાદમાં બે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાશે. હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સાથે જ છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતથી ભારતના દક્ષિણી છેડા સુધી ઓફશોર રચના થઇ છે.
તદુપરાંત ઉત્તરપ્રદેશના દક્ષિણ પશ્ચિમ ભાગથી એક ટ્રફલાઇન ગુજરાતના દરિયાકાંઠા થઇને ઉત્તર પૂર્વી અરબસાગર સુધી જાય છે, જેને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠેથી માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને આ ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે એવી પૂરી શક્યતા છે.
ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તો ક્યાંક ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.