ગુજરાતમાં ૪૪ ટકા વધુ વરસાદ નોંધાયો હવે વધશે વરસાદ કે હવે ટાટા કહી દેશે ગુજરાતને જાણો હવામાન નિષ્ણાતના નવા એંધાણ
ગુજરાતમાં હાલ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી સાત દિવસ ગુજરાતમાં કેવો વરસાદ અને કેવી ગરમી રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાની આ ઋતુમાં અત્યાર સુધીમાં 44 ટકા વરસાદ વધારે વરસ્યો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે સાત દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ ઘણો ઓછો વરસાદ જોવા મળશે.
સાત દિવસ માટે કોઈપણ જગ્યાએ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી નથી. કચ્છ આગામી સાત દિવસ માટે ડ્રાય રહેશે. સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદ જોવા મળશે. પરંતુ તે પછીના ચાર દિવસ હવામાન સુકું રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં પણ બે દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
તે પછી પાંચ દિવસ હવામાન સુકું રહેશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે.મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે, 24 કલાકમાં ચાર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં જામનગરમાં સૌથી વધુ 26 mm વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં વરસાદ અંગેની ટકાવારી જણાવતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં સામાન્ય કરતાં 44 ટકા વધારે વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં સામાન્ય કરતાં 31 ટકા વરસાદ વધારે જોવા મળ્યો છે. ગુજરાત રિજનમાં (સૌરાષ્ટ્ર – કચ્છ સિવાયના તમામ જિલ્લાઓ) સામાન્ય કરતાં 26 ટકા વરસાદ વધારે છે. આગામી દિવસોમાં તાપમાન સામાન્ય જ રહેશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 33.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલ કોઈ સિસ્ટમ નથી અને આગામી દિવસોમાં પણ કોઈ સિસ્ટમ સક્રિય થાય તેવું લાગતું નથી. ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિ સર્જાઈ રહી છે.