અરબ સાગરમાં સર્જાયું લો પ્રેશર આ જગાએ ભારે વરસાદની આગાહી બફરાએ લોકોનું જીવન કર્યું હેરાન
એકબાજુ જ્યાં ભીષણ ગરમી કહેર મચાવી રહી છે. લોકો બેહાલ છે. ગરમીના કારણે ટપોટપ બેહોશ થવાની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે બીજી બાજુ હાલમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલા રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી.
આ દરમિયાન 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને સમુદ્રમાં 4 કલાક સુધી લેન્ડફોલ થયો હતો. ચક્રવાતી તોફાનના કારણે બાંગ્લાદેશમાં 10 અને બંગાળમાં 6 લોકોના મોત થયા હતા. હવે અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું છે જે ગુજરાતના આ વિસ્તારો માટે ચેતવણી ઊભું કરી રહ્યું છે.
અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે. માછીમારોને નજીકના બંદરો પર બોટ લાંગરી દેવાની સૂચના પણ આપવામાં આવેલી છે. રાજ્ય હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારોમાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. વલસાડના 70 કિમીના 34 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતના વલસાડના તિથલ બીચ ઉપર તો પવન ફૂંકાવવાની શક્યતાના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સ્વરૂપે બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ 2 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
પવનની દિશા બદલાતા હીટવેવની અસર ઘટતી જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી પાંચ દિવસ સુધી ગરમીનો પારો પણ ઘટેલો જોવા મળશે. જો કે બફારાનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરાઈ છે.
આગામી પાંચ દિવસ અમદાવાદના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ગુરુવારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ સિવાય 6 શહેરમાં તાપમાન 40 ઉપર નોંધાયું હતું. હવામાન ખાતાએ રાજ્યમાં કચ્છ, પાટણ, બનાસકાંઠામાં ડસ્ટ સ્ટોર્મ એટલેકે ધૂળના તોફાનની પણ આગાહી કરી છે.
સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. રાજ્યના તાપમાનની વાત કરીએ તો હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 43થી 44 ડિગ્રી આસપાસ રહી શકે છે. 4 જૂન સુધી બહુ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન ખાતાએ આગાહી કરેલી છે કે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે