ગુજરાતમાં સ્ટેટ એલર્ટ યથાવત આ જિલ્લામાં આવનાર ૪૮ કલાકમાં ૨૦ ઇંચ સુધી વરસાદની આગાહી વચ્ચે રેસ્ક્યું ટીમ તૈનાત
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ ગઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો, જૂનાગઢ, દેવભૂમી દ્વારકા અને પોરબંદરમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકામાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ત્યારે આજે શનિવારે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મળી 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ 6 તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 19.85 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં 25.56 ઇંચ વરસાદ નોંધાયો છે.ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવા રેડ એલર્ટની આગાહી વચ્ચે જિલ્લામાં મેઘ મહેર થઇ છે.
જેમાં સીઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડામાં 13.12 ઇંચ, તાલાલામાં 24 ઇંચ, વેરાવળ-પાટણમાં 25.56 ઇંચ, સુત્રાપાડામાં 23.20 ઇંચ, કોડિનારમાં 19.84 ઇંચ અને ઊના તાલુકામાં 13.40 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-2 જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-2 ડેમ ડીઝાઇન સ્ટોરેજના 76 % એટલે કે આર.એલ 69.98 % મીટર, ઊંડાઈ 7.18 મીટર તથા જીવંત જથ્થો 25.995 એમ.સી.યુ.એમ. ભરાયેલ છે.
તેમજ ઈનફ્લો 4880 ક્યૂસેક છે. જેથી હિરણ-2 જળાશયના હેઠવાસમાં આવતાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સૂચના આપવામાં આવી છે.ડેમનું નિર્ધારીત રૂલ લેવલ 70.75 મીટર જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવાની આવશ્યકતા ઉભી થશે જેથી સાવચેત રહેવાં જણાવાયું છે.
હિરણ-2 જળાશય હેઠળના તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર,ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવે છે.