હવામાનના જાણકાર અશોકભાઈ પટેલની આગાહી આટલા દિવસ હવે નહિ આવે ગુજરાતમાં વરસાદ - khabarilallive
     

હવામાનના જાણકાર અશોકભાઈ પટેલની આગાહી આટલા દિવસ હવે નહિ આવે ગુજરાતમાં વરસાદ

ગુજરાતમાં વરસાદનો વર્તમાન રાઉન્ડ પૂર્ણ થયો છે અને હવે એકાદ સપ્તાહ વરસાદી વિરામ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત વખતની આગાહી મુજબ 22થી27 જુલાઈ દરમ્યાન સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઓછું જ રહ્યું હતું અને રાજયના અન્ય ભાગોમાં રેલમછેલ થઈ હતી.

આ દરમ્યાન સૌરાષ્ટ્રમાં સરેરાશ માત્ર 24 મી.મી. જ પાણી વરસ્યુ હતું. જયારે કચ્છમાં 59 મીમી, ઉતર ગુજરાતમાં 148 મીમી, મધ્ય ગુજરાતમાં 80 મીમી તથા દક્ષિણ ગુજરાતમાં 97 મીમી વરસાદ નોંધાયો હતો.

તેમણે કહ્યું કે ચોમાસુ ધરી એ નોર્મલથી ઉતર બાજુ ગતિ કરવા લાગી છે અને બે-ત્રણ દિવસ હજુ ઉતર બાજુ જ રહે તેમ હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં એકંદરે વરસાદી વિરામ રહેશે. તા.28 જુલાઈથી 3 ઓગષ્ટના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં કયારેક કોઈ ભાગોમાં છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે.

જયારે ઉતર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને અસરકર્તા નવી કોઈ મોટી સીસ્ટમ નથી. રાજયમાં અત્યાર સુધીમાં સીઝનમાં સરેરાશ 70 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે.

કચ્છ ઝોનમાં સૌથી વધુ 117 ટકા વરસાદ પડયો છે. જયારે ઉતર ગુજરાતમાં 56.50 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 82 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી રેલમછેલ હતી. સૌરાષ્ટ્રમાં જોર ઓછુ હતું પરંતુ રાજયના અન્ય ભાગોમાં સારો વરસાદ હતો. પરંતુ હવે વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો હોય તેમ આજે સવારથી બપોર સુધીમાં માત્ર 14 તાલુકામાં ઝાપટા વરસ્યા હતા. છોટા ઉદેપુરના સંખેડામાં અર્ધો ઈંચ હતો. જયારે અન્યત્ર સામાન્ય ઝાપટા હતા.

અશોકભાઈ પટેલે આગોતરૂ એંધાણ દર્શાવતા કહ્યું કે 3 ઓગષ્ટ સુધી મેઘરાજાનો વિરામ ‘કામચલાઉ’ જ છે અને 4 ઓગષ્ટથી ફરી ચોમાસુ સક્રીય થવા લાગશે અને 4થી10 ઓગષ્ટ દરમ્યાન વરસાદી માહોલ ઉભો થશે જે વિશેની વિગતવાર આગાહી આગામી સપ્તાહમાં આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *