બોટાદમાં 24 લોકોના મોત બાદ તંત્ર દોડતું થયું સામે આવ્યું મોટું કનેક્શન લેવામાં આવ્યા મોટા પગલા
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડમાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. જો કે, અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે જેમાં બરવાળા CHC સેન્ટરમાં એકનું મોત નિપજ્યું છે. ભાવનગરમાં પણ સારવાર લઇ રહેલા લોકોના મોત થયા છે. બરવાળા CHC સેન્ટરમાં 29 લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા.
જો કે, બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. આ મામલે મોડી રાત્રે બોટાદ કલેક્ટર બરવાળા પહોંચ્યા હતા. તેઓએ બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે પણ તેઓએ માહિતી મેળવી હતી. મોડી રાત સુધી અસરગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવાનું ચાલુ હતું. કલેક્ટર બીજલ શાહે પણ સરકારી હોસ્પિટલ પર સમીક્ષા બેઠક કરી અધિકારીઓ સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
વધુમાં બોટાદમાં કથિત લઠ્ઠાકાંડની તપાસ માટે SITની પણ રચના કરાઇ છે. ત્યારે DySPની અધ્યક્ષતામાં SIT આ સમગ્ર મામલે તપાસ કરશે. કથિત લઠ્ઠાકાંડમાં મહિલા સહિત 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલમાં પોલીસની ટીમ દ્વારા પણ જુદા-જુદા ગામમાં તપાસ હાથ ધરાઇ રહી છે. પરંતુ ઝેરી દારૂની સૌથી વધુ અસર રોજિદ ગામમાં જોવા મળી રહી છે.
કરણરાજસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે. દારુમાં વપરાયેલ કેમિકલ ચોરી કરાયું હતું. લાંભા અટકાયત કરવામાં આવેલ શખ્સ આ કેમિકલ ચોરી કરીને લાવ્યો હતો. હાલમાં આ મામલે રાણપુર અને બરવાળા ગામે તપાસ ચાલી રહી છે. દેશી દારુને લઇ સ્થાનિક PIને તપાસ માટેના આદેશ પણ અપાયા છે.
કથિત લઠ્ઠાકાંડ બાબતે બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી વિનુ મોરડીયાએ પણ નિવેદન આપતા જણાવ્યું કે, ‘સમગ્ર કાંડ મામલે પોલીસની કાર્યવાહી ચાલુ છે. રાજ્ય ગૃહમંત્રી સાથે ટેલિફોનીક વાતચીત પણ કરાઇ. જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે.
જે ઘટના બની છે તે ખૂબ જ દુ:ખદ બાબત છે. સરકાર તમામ પ્રયાસ કરે છે આ પ્રકારના કેફી પદાર્થો રાજ્યમાં ન આવે. સાથે આ પ્રકારની જે ઘટના ઘટી છે તે ચલાવી નહીં લેવાય.’