હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ગુજરાત માટે ભુક્કા બોલાવે તેવી આગાહી વાવાઝોડા સાથે આવશે વરસાદ આ તારીખોમાં કરશે આગમન
ગુજરાતમાં હાલ મેઘરાજાની બેટિંગ ધીમી થઈ છે. પરંતુ ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન વિશે આગાહી કરનાર અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22મી જુલાઈથી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 24થી 30 મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાશે. ધીમેધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલે પુષ્ય નક્ષત્રને લઇને આગાહી કરતા જણાવ્યું છે કે 20 તારીખ પછી એટલે કે આજથી (21મી જુલાઈ) સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે પહેલા પુનર્વસુ નક્ષત્ર છે. ખેડુતો વખ અને પખ તરીકે પણ ઓળખે છે. હાલમાં પુનર્વસુ નક્ષત્ર શરૂ છે.
તેમાં વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું ગણાતું નથી. પરંતુ 20 તારીખ પછી એટલે કે 21મી જુલાઈથી પુષ્ય નક્ષત્રોમાં એટલે કે પખમાં થતાં વરસાદનું પાણી ઊભા પાક માટે ઉત્તમ છે. જે બે ઓગસ્ટ સુધી રહશે. બે ઓગસ્ટ પછી વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું નથી.
હવામાન વિભાગની આગાહી શું કહે છે?
નોંધનીય છે કે, આગામી ૨૨-૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ,વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ કરી દેવામાં આવ્યું છે. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં, જ્યારે ૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટર અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.