હવામાન આગાહી રાજ્યના 71 તાલુકાઓમાં મેઘરાજાએ કરી જોરદાર બેટિંગ અમદાવાદ સહિત આ શહેરોમાં આગામી 3 દિવસ થશે રેલમછેલ
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. અમદાવાદમાં પણ એક-બે વખત વરસાદી ઝાપટાં પડ્યા છે. એવામાં તાપમાન ઘટવા છતાં બફારાથી લોકો ત્રસ્ત છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી શહેરમાં 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના 71 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા વરસાદની વાત કરીએ તો કાલે 22 જિલ્લાના 71 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જુનાગઢના માંગરોળમાં સૌથી વધુ 3.11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જૂન મહિનામાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 0.76 ઈંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. જ્યારે 52 તાલુકાઓમાં હજુ કોરા ધાક્કોર છે.
ગુજરાતમાં મોન્સૂન હાલ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પહોંચ્યું છે જેની અસર હેઠળ આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારો પર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જે દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે.
સુરત જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે. જેમાં ગઈકાલે સુરત જિલ્લાના કામરેજમાં સવારથી અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કામરેજની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જુનાગઢના માંગરોળમાં 3 ઈંચ વરસાદ
માંગરોળ શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘો મંડરાતા સવારે બે કલાકમાં દોઢેક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ લાલબાગ વિસ્તારમાં વિજળી પડતા મકાનની દિવાલ તૂટી ગઈ હતી અને વાયરીંગ બળી ગયું હતું. આમ પંથકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડુતોમાં રાજીપો છવાયો છે.