આ રાજ્યમાં થઈ ધમધોકાર વરસાદની એન્ટ્રી પુર જેવી સ્થિતિ પણ સર્જાઈ
હાલમાં આસામના 26 જિલ્લા પૂરની ઝપેટમાં છે. જેના કારણે 4 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.દરમિયાન, પૂર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં દિમા હસાઓ, કચર, ચરાઇડિયો, દરંગ, ધેમાજી અને દિબ્રુગઢ છે. પૂરના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે અનેક ગામોનો મુખ્ય ભાગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
ભૂસ્ખલન અને પાણી ભરાવાને કારણે બરાક વેલી, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમનો રેલ સંપર્ક તૂટી ગયો છે. રેલ્વે લાઇનના રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
સ્થિતિ એ છે કે રાજ્યમાં ઘણી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં પાકનો નાશ થયો છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એરફોર્સની મદદ લેવી પડી છે. રાહત અને બચાવ માટે સેના પણ તૈનાત કરવામાં આવી છે. આર્મી, એરફોર્સ, પોલીસ અને એનજીઓ રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીમાં સામેલ છે.