ટીટોડી એ મૂક્યા 6 ઈંડા આ વર્ષનાં ચોમાસા વિશે થઈ ભયાનક આગાહી
ઓલપાડના અસનાદ ગામે ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂક્યા છે. નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીના 6 ઈંડા જોવા મળ્યાં છે. લોકવાયકા મુજબ ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ આવે. ટીટોડી 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસુ જાય. અને 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિનું અનુમાન માનવામાં આવે છે. પરંતુ ટીટોડી દ્વારા 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કુતૂહલ સર્જાયુ છે.
જાણકારો કહે છે કે, ટીટોડીના એક ઈંડાના આધારે એક મહિનો વરસાદ સારો જાય એવુ માનવામાં આવે છે. ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારુ ચોમાસું રહે. ચાર ઈંડા એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સારુ જાય. પરંતુ 6 ઈંડા મૂકે તો 6 મહિના સુધી ચોમાસું લંબાય તેવુ મનાય છે. એટલે કે ટીટોડીના 6 ઈંડા સારા સંકેત છે.
દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે. 27 મે સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. દર વર્ષ કરતા એક અઠવાડિયું વહેલું ચોમાસાનું આગમન થશે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 14 થી 16 મે દરમિયાન દ્વીપસમૂહમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ 15 અને 16 મેના રોજ દક્ષિણ અંદામાન સમુદ્રમાં પવનની ઝડપ 40-60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.