આ વ્યક્તિએ મહિલાઓ માટે બનાવી એવી એપ કે 5 મહિનામાં કરી શકે છે 5 લાખ સુધીની કમાણી
કોરોનાકાળ બાદ જિંદગી હવે ધીમે ધીમે પાટે ચડી રહી છે. નવા સ્ટાર્ટઅપ અને નાના ધંધા રોજગાર પણ હવે પોતાની જગ્યા લઈ રહ્યા છે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ તેમના સ્ટાર્ટઅપને લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરી રહી છે. મેળા, મહોત્સવ, એક્ઝિબિશન દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ બનાવેલી વસ્તુઓ વેચાય અને તેઓ સ્વનિર્ભર થાય એવા સતત પ્રયાસ થઈ રહ્યા છે.
પરંતુ શહેરમાં રહેતી હજારો મહિલાઓ હરીફાઈ વધતાં પોતાની બનાવેલી ચીજવસ્તુઓને વેચવા માટે યોગ્ય પ્લેટફોર્મ શોધી રહી છે. અમદાવાદના યુવાન અનુશીલ સૂતરિયા આ મહિલાઓને આત્મનિર્ભર થવા તેમજ તેમનો બિઝનેસ આગળ વધારવા ઓનલાઈન ખરીદી માટેની એક એપ્લિકેશન તૈયાર કરી છે. તેમણે છેલ્લા પાંચ મહિનામાં જ કમિશનથી પાંચ લાખથી વધારે આવક મેળવી છે.
મહિલાઓને એક્ઝિબિશનનો ખોટો ખર્ચ પોસાતો નથી.શહેરમાં રહેતી મહિલાઓ મોટા ભાગે મધ્યમવર્ગની હોય છે, જેઓ નાણાંના અભાવે શો-રૂમ કરી શકતી નથી. ટેક્નોલોજી દ્વારા કેવી રીતે લોકો સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકાય એનું જ્ઞાન પણ તેમને નથી હોતું.
પરિણામે, અદભુત પ્રોડક્ટ્સ લોકો સુધી પહોંચે નહીં અને એવી મહિલાઓને નફો મળવાનું તો દૂર રહ્યું, ઊલટાનું નુકસાન વેઠવું પડે છે, એટલે જ ખાસ અર્બન વિસ્તારોની બહેનો માટે અમદાવાદના યુવાન અનુશીલ સૂતરિયાએ જાન્યુઆરી 2022માં એક એપ્લિકેશન તૈયાર કરી છે, જેના થકી અર્બન મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.
અર્બન મહિલાઓએ તૈયાર કરેલી પ્રોડક્ટને માર્કેટ પૂરું પાડવાનો હેતુ અનુશીલ સૂતરિયા આમ તો મિકેનિકલ એન્જિનિયર છે, પણ 20 વર્ષ કરતાં વધારે સમયથી બુટિક ચલાવતી પોતાની માતાને પડતી તકલીફ તેણે જોઇ હતી. ઉત્તમ વસ્તુઓ હોવા છતાં શોપ, એક્ઝિબિશન અને અન્ય વેચાણ કેન્દ્રો પર મોળો પ્રતિસાદ મળતો. કેટલીક વાર ભાડાની રકમ પણ ન નીકળે.
એવા સંજોગોને યાદ કરતાં અનુશીલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મિકેનિકલ એન્જિનિયર હોવા છતાં મેં આઇ.ટી. ફિલ્ડ પસંદ કર્યું. ઇન્ટરનેટના માધ્યમ અને અન્ય નિષ્ણાત પાસે આઇ.ટી.ની તાલીમ લઇને એક એપ્લિકેશન તૈયાર કરી. જેનો મુખ્ય હેતુ અર્બન મહિલાઓએ તૈયાર કરેલી પ્રોડક્ટને માર્કેટ પૂરું પાડવાનો છે.