ગુજરાતમાં જળબંબાકાર આ જિલ્લામાં વરસશે અતિશય વરસાદ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
ગુજરાતમાં રવિવારે વડોદરા અને જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદમાં આજ સવારથી મેઘગર્જના સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે (30 સપ્ટેમ્બર) સવારે 10 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે સવારે 10 વાગ્યા સુધીમાં ભાવનગર, મહેસાણા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે આ તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
ભાદરવા મહીનામાં અષાઢી માહોલ જામ્યો છે. જૂનાગઢમાં ચોમાસાના છેલ્લા સમયમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં સાંજના સમયે અચાનક ભારે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી રાહત મળતા હાશકારો લીધો હતો.
આજે દિવસભર વાદળછાયા વાતાવરણ અને બફારા બાદ બપોરે જૂનાગઢનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. જે બાદ સાંજના સમયે ગિરનાર અને ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
જૂનાગઢમાં સાંજના સમયે સાંબેલાધાર વરસાદથી પાણી પાણી થયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે. ત્યારે શહેરની નદીઓ ફરીવાર રૌદ્ર સ્વરૂપમાં વહેતી થઈ છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદથી શહેરના મધ્યમાંથી પસાર થતી કાળવા નદી બે કાંઠે વહેતી થઈ છે.
ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ હોવાને કારણે શહેરની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા સોનરખ નદી તોફાની બની છે. ભવનાથ વિસ્તાર પાણી પાણી થયો છે.
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગિરનારમાં માત્ર બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં ભારે વરસાદને કારણે SDRF અને ફાયરની ટીમોને પણ કરાઈ તૈનાત કરવામાં આવી છે.