આર પાર ની લડાઈ યુક્રેનની શરતો પર પુતિન ભડક્યા કહ્યું જેલેન્સ્કીને સમજાવી દો નહીતો હુ હવે બરબાદ કરી નાખીશ
રશિયા-યુક્રેન યુદ્ધના મામલે બંને દેશો હવે જ્યારે ટસના મસ થવા તૈયાર નથી અને જેલેંસ્કીની શરતો પર પુતિન ભડક્યા હોવાથી યુક્રેન પર હવે રશિયા પરમાણુ બોમ્બ ઝીંકશે એવી અટકળો જોરશોરથી વહેતી થઈ છે. જોકે, રશિયાના પ્રમુખના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું છે કે, રશિયા ત્યારે જ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે જ્યારે તેમના દેશના અસ્તિત્વ પર ખતરો ઊભો થશે.
અમારી પણ એક સુરક્ષા નીતિ છે એવું કહીને પેસ્કોવે જરૂર પડ્યે યુક્રેન પર પરમાણુ બોમ્બ ઝીંકવાનો નિર્દેશ આપી દીધો છે. પરમાણુ યુદ્ધ છેડાવાની શક્યતાના કારણે પોલેન્ડ સહિત યુરોપીયન યુનિયનના તમામ દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે જો પરમાણુ બોમ્બ ફેંકવામાં આવશે તો તેની અસર નજીકના પોલેન્ડ સહિતના યુરોપીયન યુનિયનના તમામ દેશો પર થઈ શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે જારી ભીષણ યુદ્ધને ૩૩ દિવસ થઈ ગયા છે અને કેટલીય વાર વાતચીતના તબક્કાઓ યોજાઈ ગયા છે. મધ્યસ્થી પણ થતી દેખાઈ રહી છે, પરંતુ વાસ્તવિક સ્તરે કોઈ ફેરફાર દેખાતો નથી. આ કારણસર રશિયા અને યુક્રેનમાંથી કોઈ પણ દેશ ઝૂકવા તૈયાર નથી.
શસ્ત્રોનાં યુદ્ધ સાથે શાબ્દિક યુદ્ધ પણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. હવે ટાઈમ્સ મેગેઝિને એવો દાવો કર્યો છે કે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને ખુલ્લી ધમકી આપી દીધી છે.
જ્યારે રશિયામાં અધિકારીઓએ પુતિનને યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સ્કીની શરતો જણાવી ત્યારે તેમની આ શરતો પર પુતિન બરાબર ભડક્યા હતા. પુતિને માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘ઝેલેન્સ્કીને કહી દો કે અમે તેમને બરબાદ કરી નાખીશું.’
રિપોર્ટ અનુસાર, ઝેલેન્સ્કીએ એક હસ્તલિખિત નોંધમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેનની શરતોની વિગતો આપી હતી. ઝેલેન્સ્કીએ એવી પણ શરત મૂકી હતી કે, શાંતિ માટે પહેલાં યુદ્ધ રોકવું જોઈએ અને આ શરત પુતિનને સ્વીકાર્ય નથી. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયન નેતા પુતિન સામે રૂબરૂ વાતચીત દ્વારા જ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.
આ માટે પુતિન સાથે મુલાકાત કરવી આવશ્યક હોવાનું ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું. જ્યારે પુતિને એવું જણાવ્યું છે કે અમારી શરતો સ્વીકાર્યા બાદ જ મુલાકાત થઈ શકે અને આથી પુતિન ઝેલેન્સ્કી પર ભડક્યા હતા અને યુક્રેનને બરબાદ કરી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
દરમિયાન, રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરીને યુક્રેનમાં યુદ્ધવિરામની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ રશિયા સાથે આજે યોજાનારી વાતચીત માટે તુર્કીના પાટનગર ઈસ્તંબુલ પહોંચી ગયું છે. યુક્રેન તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમારી પ્રથમિકતા યુદ્ધવિરામની રહેશે. હકીકતમાં પુતિન હાલના તબક્કે યુદ્ધવિરામ કરવાની તરફેણમાં નથી.