દુનિયાની નજર રહેશે 2 દિવસ ફકત ભારત ઉપર રશિયાથી આવી રહ્યા છે આ વ્યક્તિ કરશે ખાસ વાતચીત
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ શરૂ છે. ત્યારે આવી સ્થિતિમાં ભારતની ભૂમિકા ખૂબ જ ખાસ રહેવાની છે. ત્યારે યુદ્ધ રોકવાના પ્રયાસમાં ભારત ફરી એક વાર શાંતિદૂત તરીકે ઉભરી શકે છે.
રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવની અચાનક ભારત મુલાકાત આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઇ શકે છે. લાવરોવ આ જ અઠવાડિયે દિલ્હી આવશે પરંતુ તારીખ હજુ સુધી નક્કી નથી કરાઇ. તો બીજી બાજુ ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ પણ 2જી એપ્રિલે ભારત આવી રહ્યાં છે.
મોસ્કો દ્વારા 24મી ફેબ્રુઆરીએ યુક્રેન સામે લશ્કરી આક્રમણ શરૂ કરાયા બાદથી રશિયા તરફથી આ ભારતની સર્વોચ્ચ સ્તરની મુલાકાત હશે. આ પ્રસ્તાવિત મુલાકાત અંગે વિદેશ મંત્રાલય અથવા તો રશિયન વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી, અમેરિકાની રાજકીય બાબતોના વિદેશ મંત્રી વિક્ટોરિયા નુલૈન્ડ અને ઑસ્ટ્રિયા તેમજ યુનાનનાં વિદેશ પ્રધાનો સહિત ભારતની ઘણી ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ છે. બ્રિટિશ વિદેશ સચિવ લિઝ ટ્રસ ગુરુવારનાં રોજ ભારતની મુલાકાતે આવવાના છે.
લાવરોવની સૂચિત મુલાકાત અંગે ઉપરોક્ત લોકોએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન મુખ્ય ધ્યાન ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોની ખરીદી માટે ચૂકવણી પ્રણાલી પર રહેશે. રશિયા પર પશ્ચિમી દેશોનાં પ્રતિબંધોએ તે દેશને ચૂકવણી કરવામાં મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. બંને પક્ષો રૂપિયા-રુબલ પેમેન્ટ સિસ્ટમને સક્રિય કરવા માટે વિચારણા કરી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
અન્ય ઘણી બધી મુખ્ય શક્તિઓથી વિપરીત, ભારતે હજુ સુધી યુક્રેન પરના આક્રમણ માટે રશિયાની ટીકા નથી કરી અને રશિયન આક્રમણની નિંદા કરતા ઠરાવો પર યુએન ફોરમમાં મતદાન કરવાનું ટાળ્યું છે.
તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારત પહેલેથી જ અનેક પ્રયાસો કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં એક મહિનામાં પુતિન અને ઝેલેન્સ્કી સાથે બે વખત લાંબી ટેલિફોનિક વાતચીત કરી છે. કારણ કે રશિયા સાથે ભારતના સારા સંબંધો છે.
એ જ રીતે યુક્રેનની પાછળ ઉભેલા અમેરિકા સાથે પણ ભારતની સારી એવી નિકટતા છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં રશિયા અને અમેરિકા એમ બંનેને ભારતની જરૂર છે આથી આ વિવાદ ઉકેલવામાં ભારતની ભૂમિકા સૌથી વધારે મહત્વની બની જાય છે.