બેંગલોર મુંબઈ પછી હવે ગુજરાતમાં ધબધબાટી બોલાવશે વરસાદ એક સાથે આટલા જિલ્લામાં એલર્ટ - khabarilallive    

બેંગલોર મુંબઈ પછી હવે ગુજરાતમાં ધબધબાટી બોલાવશે વરસાદ એક સાથે આટલા જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે.

હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે પરંતુ આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે.

ચોમાસું હાલ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને મુંબઈમાં ચોમાસા પહેલાના વરસાદની પણ શરૂઆત થવાની શક્યતા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગાહી કરતાં કહ્યું છે કે હાલ શરૂ થનારો વરસાદ ગાજવીજ અને પવન સાથે આવે તેવી શક્યતા છે.

વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થઈ ગઈ છે અને હવે રાજ્યના અન્ય વિસ્તારો સુધી ચોમાસા પહેલાંનો વરસાદ પહોંચશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદ જ્યારે આવશે ત્યારે ગાજવીજ થશે અને કોઈ જગ્યાએ વીજળી પડવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે.

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં આવતા વરસાદમાં પહેલાં પવન આવે છે અને તે બાદ વરસાદ પડતો હોય છે. હવામાન વિભાગ પ્રમાણે કેટલાક વિસ્તારમાં 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે, આ વિસ્તારોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

30 મેના રોજ કેરળથી દેશમાં ચોમાસાની શરૂઆત થઈ હતી અને તે બાદ સતત ચોમાસું આગળ વધી રહ્યું છે. 6 જૂન આવતાની સાથે જ ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલ એવી અનુકૂળ સ્થિતિ સર્જાયેલી છે કે આવનારા ત્રણથી ચાર દિવસોમાં ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધારે વિસ્તારો, કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, આંધ્ર પ્રદેશના બાકી રહેલા વિસ્તારો, મહારાષ્ટ્રના વધારે વિસ્તારો તથા મુંબઈ સુધી પહોંચી જવાની શક્યતા છે.

હાલ ચોમાસાની અરબી સમુદ્ર તરફની શાખા ઝડપથી આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં પણ હજી આજ ઝડપે આગળ વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં 15 જૂન ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ છે. 2023માં અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં 10 દિવસ ચોમાસું મોડું શરૂ થયું હતું અને જુલાઈ મહિનામાં ખૂબ વરસાદ પડ્યો હતો. જે બાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અત્યંત ઓછો પડ્યો હતો.

જોકે, ગત વર્ષ અલ નીનોનું વર્ષ હતું તેની અસર ભારતના ચોમાસા પર જોવા મળી હતી. સમગ્ર દેશમાં ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો. આ વર્ષે હાલ પ્રશાંત મહારાસાગરમાં અલ નીનો નબળું પડી ગયું છે અને ચોમાસું શરૂ થયા બાદ લા-નીના બને તેવી પ્રબળ શક્યતા છે. જેના લીધે આ વર્ષે ભારતમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *