મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ કરી શકે તેવું ડીવાઈસ હવે પહોંચશે થોડાક જ પૈસામાં ઘરે ઘરે
અનિલ કપૂરની ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ યાદ છે? એમાં એવી કલ્પના કરાયેલી કે હાથમાં ઘડિયાળ જેવું એક નાનકડું ગેજેટ પહેરી લે એટલે ગમે તેવો માણસ ગાયબ થઈ જાય. ઇવન, પાછળથી આવેલી હોલિવૂડ ફિલ્મ સિરીઝ ‘હેરી પોટર’માં પણ ‘ઇન્વિઝિબિલિટી ક્લોક’ યાને કે અદૃશ્ય કરી દેતા ધાબળાની વાત હતી, જેને ઓઢીને કોઈપણ માણસ ગાયબ થઈ જાય. દુનિયાની સામે હોય છતાં કોઈને દેખાય નહીં એવી ફેન્ટેસી સેંકડો વર્ષોથી માનવજાતના મનમાં રહી છે.
એ માટે અનેક પ્રયાસો પણ થયા છે, પરંતુ અત્યારસુધી ખાસ કોઈને સફળતા મળી નથી, પરંતુ હવે આ કલ્પના વાસ્તવિકતા બની છે. લંડનના ‘ઇન્વિઝિબિલિટી શીલ્ડ કં.’ નામના સ્ટાર્ટઅપે ખરેખર માણસને સમૂળગો ગાયબ કરી દે એવું સાધન વિકસાવ્યું છે.
એટલું જ નહીં, એને વેચવા પણ મૂકી દીધું છે. માત્ર પાંચ હજાર રૂપિયામાં આ ઇન્વિઝિબિલિટી શીલ્ડ આપણા ઘરે પહોંચી જાય એવી વ્યવસ્થા પણ થઈ ચૂકી છે.
મજાની વાત એ છે કે માણસને ગાયબ કરવા માટે આ ડિવાઇસમાં માત્ર એક શીલ્ડ યાને કે એક અરીસા જેવું પાટિયું જ છે. એની પાછળ આખેઆખો હાથી ઊભો રાખી દો, તો એ પણ ગાયબ થઈ જાય!
આ સિવાય એમાં કોઇપણ જાતનાં જટિલ મશીન, સર્કિટ નથી કે ઇવન એને ચલાવવા માટે કોઇપણ જાતની ઇલેક્ટ્રિસિટીની પણ જરૂર પડતી નથી! અરીસાની જેમ આ શીલ્ડ ઊભું કરીને તેની પાછળ ઊભા રહી જવાનું, એટલે પળવારમાં માણસ ગાયબ!